Creator

Creator
Jayanti I Parmar

Wednesday, May 27, 2020

તેલ જુઓ તેલની ધાર જુઓ...

રાજા જમી રહ્યા હતા, પીરસવા આવેલા માણસને છીંક આવી એટલે ભૂલથી રાજાના કપડામાં દાળ ના છાંટા ઉડ્યા, પછી જે રાજાએ કહ્યું તે વાંચીને…

એક રાજા નો સ્વભાવ ખૂબ જ ગરમ હતો, તે રાજાને વારંવાર ગુસ્સો આવી જતો અને નાની-નાની વાત હોય તો પણ તે ખૂબ જ ગુસ્સે થઈ જતા.અને રાજાના આવા સ્વભાવને કારણે બધા જ લોકો તેનાથી દૂર રહેતા. અને ખાસ કરીને જ્યારે પણ રાજા જમવા બેસે ત્યારે તેમને ખૂબ જ ગુસ્સો આવતો, આજે રાજાને જમાડવાનું કામ હોય તો એ કામ કરવા માટે કોઇ તૈયાર ન થતું.

એક દિવસ એક માણસ આ કામ કરવા માટે પણ તૈયાર થઈ ગયો, રાજા જમવા બેસે ત્યારે તેને પીરસવાનું કામ આ માણસને કરવાનું રહેતું.

રાજા નો ગુસ્સો કેવો છે તે બધા લોકોને ખબર હતી અને ખાસ કરીને આ માણસને પણ ખબર હતી પરંતુ તેમ છતાં તે આ કામ કરવા માટે તૈયાર થઈ ગયો હતો.

અને આ માણસ ખાસ ધ્યાન રાખતો જેથી કરીને જમાડતી વખતે તેનાથી કોઈપણ જાતની ભૂલ ન થાય અને રાજાને વધારે પડતો ગુસ્સો ન આવે. ભૂલ તો દરેક માણસ થી થાય, એક દિવસે બપોરે જ્યારે રાજાના જમવાનો સમય થયો ત્યારે તેની થોડી તબિયત ખરાબ હોવા છતાં તે રાજાને જમવાનું પીરસી રહ્યો હતો.

એવામાં દાળની વાટકી ભરીને રાજાને પીરસી રહ્યો હતો અને રાજાને દાળ આપવા જઈ રહ્યો હતો ત્યાં તેને અચાનક છીંક આવી અને છીંક આવી એટલે તેનો તેના હાથ પર કાબૂ ન રહ્યો અને દાળના અમુક છાંટા રાજાનાં કપડાં પર પડ્યા.

રાજા ના કપડા પર જ છાંટા ઉડ્યા હતા, અને એ પણ બે થી ત્રણ જેટલા જ છાંટા ઉડ્યા હતા. પરંતુ રાજા ખૂબ જ ગુસ્સે થઈ જતા અને આ વાત પર પણ તેઓ ખૂબ જ ગુસ્સે થઈ ગયા. રાજા તો એકદમ ગુસ્સે થઈ ગયા.

તરત જ આજુબાજુમાં ઊભેલા સૈનિકોને આદેશ આપી દીધો કે આજના દિવસે જ આ માણસને ફાંસીના માંચડા પર લટકાવી દો. ત્યાં ઉભેલા સૈનિકોને પણ ખૂબ જ આશ્ચર્ય થયું કે આવી નાની અમથી ભૂલ કરવા માટે પણ કોઈ આટલી મોટી સજા થોડી આપે? પરંતુ રાજાની સામે દલીલ કરવાની કોઇની હિંમત ન હતી. આથી કોઈ માણસ કંઈ પણ બોલ્યો નહીં.

આ બધું થઇ રહ્યું હતું એવામાં પેલા માણસે જોતજોતામાં આખી દાળની વાડકી જેમાં છલોછલ દાળ ભરી હતી તે વાટકી રાજા પર ફેંકી દીધી. રાજા નો ગુસ્સો તો હવે જાણે કે સાતમા આસમાન ઉપર પહોંચી ગયો.

રાજાએ તેને જમવાનું પીરસી રહેલા માણસને કહ્યું, તારી આવી હિંમત કે તું મારા કપડાં પર આ રીતે દાળ ઢોળી રહ્યો છે?

તેના સૈનિકોને રાજાએ કહ્યું આને આજે નહીં પરંતુ અત્યારે જ ફાંસીએ ચડાવી દો, એટલે જે માણસ રાજાને દાળ પીરસી રહ્યો હતો તેને કહ્યું મહારાજ મને માફ કરી દો, દાળ નો આખો વાટકો તમારા ઉપર ઢોળી ને તમારું અપમાન કરવાનો મારો કોઈ જ ઈરાદો નથી. મેતો તમારી કીર્તિને કલંક ન લાગે એટલા માટે જ આવું કર્યું છે.

રાજા પણ આ વાત સાંભળીને નવાઇ પામ્યો એટલે તેણે પૂછયું કે તું કહેવા શું માંગે છે?

માણસે જવાબ આપ્યો કે જો લોકોને એવી ખબર પડે કે માત્ર ને માત્ર તમારા કપડાં પર 2-4 દાળ ના છાંટા ઊડ્યા તેમાં તમે મને ફાંસીની સજા આપી છે તો માફ કરજો મહારાજ પણ લોકો તમારા પર હસવા લાગે. તમારા પૂર્વજોની આબરૂને પણ જાખપ લાગે. અને હવે મેં તમારા પર દાળ ઢોળી છે એટલે લોકોને એમ ખબર પડશે કે મેં સામેથી દાળની વાડકી તમારા કપડાં ઉપર ફેંકી હતી. એટલે દરેક લોકો જ સામેથી કહેશે કે રાજાનું આવું અપમાન કરવા વાળાને તો કડક સજા થવી જ જોઈએ. એટલે તમારી પ્રતિષ્ઠા ને કોઈ વિપરીત અસર નહીં થાય.

રાજાએ આખી વાત સાંભળી અને સમજી, તરત જ રાજા પોતાની જગ્યાએથી ઊભા થઈને આ માણસને ગળે ભેટી ગયા. રાજા માં જેટલો પણ ગુસ્સો હતો તે ગુસ્સો શાંત થઇ ગયો અને પ્રેમમાં પલટાઈ ગયો.

રાજાએ તે માણસ ને માફ કરી દીધો, અને સાથે સાથે આત્મજ્ઞાન કરાવવા ને લીધે તેને ઘણી કીમતી ભેટ પણ આપી.

ભલે હા કદાચ એક કાલ્પનિક સ્ટોરી પણ હોઈ શકે, પરંતુ એટલી તો શિખામણ આ સ્ટોરી માંથી મળે છે કે સફળ વ્યક્તિ એ જ હોય છે જે હંમેશા સમય ઓળખીને વાત કરી બતાવે.

એટલે જ કહેવાય છે કે તેલ જુઓ, તેલની ધાર જુઓ અને પછી જે કરવું હોય તે કરો.

*ગ્રામિણ રહેણી-કરણીના ખાસ શબ્દો*

● દોરી - કપડાં સૂકવવા કે કશું બાંધવા માટે
● જાળી - ભમરડો ફેરવવા માટે
● રાશ - બળદને કન્ટ્રોલ કરવાની લગામ
● વરત - પાણી કાઢવાના કોસ માટે વપરાતું જાડુ દોરડું
● વરતડી - પાણી કાઢવાના કોસ માટે વપરાતું પાતળું દોરડું
● નાથ - બળદના નાકમાં પરોવી તેને કન્ટ્રોલ કરવા વપરાતી દોરી
● રાંઢવુ - જુદા જુદા કામ માટે વપરાતી જાડી મજબુત જાડી દોરી
● નાડી - ચોરણી કે પાયજામાંં કમરે બાંધવાની પાતળી દોરી
● નોંજણું - ગાયને દોહતી વખતે પાછળના બે પગ અને પુંછડાને
     સાથે બાંધી ગાયની હલચલ ને રોકવા માટે વપરાતી દોરી.
● ડામણ - દામણ: ઘોડા કે ગધેડાને છુટ્ટા ચરવા છોડવામાં આવે
     ત્યારે તેના એક આગળનો પગ અને એક પાછળના પગને સાથે
     દોરીથી બાંધવામાં આવે છે જેથી તે બહુ ઝડપથી દોડી શકે નહિ
     અને તરત જ પકડાઈ જાય. આ દોરીને ડામણ કહે છે.
● જોતર - બળદને ગાડા સાથે જોડવામાં વપરાતી દોરીનું સાધન
● નેતર - છાશ કરવા માટે વલોણાને ફેરવવા વપરાતી દોરી

*આ ઉપરાંત દોરીના મટિરિયલને લીધે જુદા નામો છે દા.ત.*

● શીંદરી- નાળિયેરના છોતરામાંથી બનાવેલી દોરી.
● સૂતળી - શણમાં થી બનાવેલી દોરી
● વાણ- જંગલી વેલા વિગરે વનસ્પતિમાંથી બનાવેલી દોરી
● કાથી - નાળિયેરના છોતરામાંથી બનાવેલી દોરી

*તે જ રીતે કપડાના જુદા જુદા આકારના જુદા જુદા કામ માટે*
*વપરાતા ટુકડાના જુદા જુદા નામ છે. જેમ કે,*

● ચાકળો- સુતરાઉ કાપડનો ચોરસ ટુકડો,
     જેમાં ભાત કરી દીવાલ પર ટીંગાડી શકાય.
● પછેડી- માથે બાંધવા અથવા ખભા પર રાખવા
      વપરાતો કાપડનો ટુકડો.
● ચોફાળ - પછેડી કરતા મોટા કાપડનો ટુકડો
     જે ખાસ કરીને ગાંસડી બાંધવા વપરાય છે.
● બુંગણ - ચોફાળ કરતા પણ મોટો જાડા કાપડનો ભાગ
     જે જુદા જુદા ખેતીના કામ માટે વપરાય છે.
● ફાળિયું- માથે બાંધવા માટે પાતળો કાપડનો ટુકડો
● પનિયું- માથે બાંધવાનું કાપડ
● ગુમછો- આછું,પાતળુ લાલ કાપડ
● ઓછાડ- ગાદલાને કવર કરવા વપરાતું કાપડ.
● કામળી- ઉનનું વસ્ત્ર જે ખભા પર રાખવામાં
     તથા ઓઢવામાં વપરાય છે.
● મસોતું- રસોડામાં વપરાતું હાથ લુંછવા માટે
     તથા વાસણ લુસવા માટે વપરાતો કાપડનો ટુકડો.
● પંચિયું- શરીર લુચવા માટે અને કમર નીચે બાંધવા
      માટે વપરાતો કાપડનો ટુકડો.
● અબોટિયું - પૂજા અથવા અન્ય ર્ધાિમક વિધિ
      કરતી વખતે પહેરવામાં આવતું ધોતી જેવું કાપડ.
● લુગડું - સાડીને લુગડું પણ કહે છે.

*ગ્રામ્ય પ્રદેશમાં વપરાતા ઓજારો*

● પરોણો - બળદને હાંકવા માટેની લાકડી
● કળીયુ - ખેતી માટેનું સાધન
● બેલી- બે ભાગમાં વહેંચાયેલું લોખંડના સળીયાને ટીપીને
     બનાવેલું ખેતરમાં ઘાસ કાઢવાનું સાધન.
● ફાળ - હળનો નીચેનો ભાગ
● કોશ - ખોદવા માટે વપરાતો સીધો લોખંડનો સળિયો
● કોસ (ઉ. કોહ) - કુવામાંથી બળદ વડે પાણી કાઢવાનું સાધન
● સુંઢ - કોસનો ચામડાનો ભાગ
● ગરેડી - કોસને ઉપર ખેંચવા માટે વપરાતુ ચક્ર
● પાડો - બળદગાડીના પૈડામાંથી પસાર થતી એક્સલને
     જેમાંથી પસાર કરવામાં આવે છે તે મજબુત મોટું લાકડું
● તરેલું - કોસમાં બળદને જોડવાનું સાધન
● ધોંસરુ - ગાડી કે હળને બળદ સાથે જોડવાનું સાધન
● પાટ - ખેડયા પછી જમીનના ઢેફા ભાંગી જમીન સપાટ કરવા
     વપરાતું મોટું લાકડું
● ઈસ - ખાટલામાં વપરાતા બે લાંબા લાકડા
● ઉપલું - ખાટલામાં વપરાતા બે ટુંકા લાકડા
● પાંગથ - ખાટલાના એક છેડે ખાટલાના ભરેલા દોરડાઓને
      સખત રાખવા વપરાતું જાડું દોરડું
● તગારું - સીધી ધારવાળું નાની સાઈઝનું પતરાનું માલ ભરવાનું સાધન
● ઘમેલું - કાંઠાને ગોળ વાખેલું તગારા કરતા મોટું સાધન
● બકડીયું - તગારાને બે બાજુ કડીથી ઉપાડી શકાય તેવું સાધન
● સૂયો - કોથળાને શીવવા માટે વપરાતી જાડી સોય
● રાંપ - ખેડેલી જમીનને સાફ કરવા વપરાતું સાધન
● રંધો - સૂતારનું પાટિયા વગેરેને લીસા કરવાનું સાધન
● નેવા - છાપરામાંથી પાણી પડવાના ભાગ
● મોભ - છાપરાના મધ્યમાં આવેલ મજબુત ટેકો જેના તરફથી
     બંને બાજુ ઢાળ હોય
● વળી - મોભ અને દિવાલ પર રાખેલ પાતળું લાકડું જેના પર
     નળીયા ગોઠવી શકાય.
● સાલ - ખાટલામાં ઈસ કે ઉપળાંને બંને છેડે અણી કાઢી તેને પાયામાં
     બંધ બેસતા કરવામાં આવે છે આવા લાકડાને સાલ કહે છે.
● વિંધ - સાલ જેમાં નાખવામાં આવે છે
      તે કાણાવાળા પોલાણને વિંધ કહે છે.
● પાયો - ખાટલાના ઉભા લાકડા જે વિંધમાં સાલ બેસે
     તે લાકડાના ભાગને પાયા કહે છે
● ઢોલિયો - મજબુત અને મોટો શણગારેલ ખાટલો
● નીક - ખેતરમાં પાણી લઇ જવા બનાવેલ વ્યવસ્થાને નીક કહે છે.
● ધોરિયો - મોટી નીક ને ધોરિયો કહે છે.
● છીંડું - વાડમાં બાકોરું હોય તો તેને છીંડું કહે છે.
● ખળું - અનાજના ડુંડાને સુકવી તેને પીસીને દાણા છુટા
     પાડવા માટે વપરાતી જગ્યા
● કેડો - રસ્તો
● કેડી - પગ રસ્તો
● વંડી - દિવાલ
● કમાડ - મોટું બારણું
● ડેલો - મોટા કમાડવાળું બારણું.