Creator

Creator
Jayanti I Parmar

Friday, May 24, 2019

શિક્ષણમાં અસંતોષ માટે શિક્ષકો કેટલા જવાબદાર?

કેળવણીના કિનારે : – ડો. અશોક પટેલ

હમણાં કેટલાક સમયથી શિક્ષણ આલમ અને સમાજમાંથી સાંભળવા મળે છે કે, શિક્ષણનું સ્તર સતત નીચું જતું જાય છે. જેની ચર્ચા ચોરે ને ચૌટે સાંભળવા મળે છે. જેમાં તથ્ય પણ છે, પરંતુ આ માટે મોટા ભાગના લોકો શિક્ષકને દોષિત ગણે છે. જે ખોટું છે. શિક્ષણનું સ્તર નીચું જવા પાછળ કોઈ એક વ્યક્તિ કે કોઈ એક પાસું જવાબદાર નથી. તેના ઘણાં કારણો છે, પરંતુ દોષનો ટોપલો માત્ર શિક્ષક પર જ ઢોળવામાં આવે છે. ત્યારે બાપડો બિચારો બનાવી દેવાયેલ શિક્ષક તે સહન પણ કરે જાય છે. ચારે બાજુથી ક્યારેક શિક્ષકને ધમકાવવામાં આવે છે તો ક્યારેક તેને સલાહ પણ આપવામાં આવે છે. વર્ષભર યોજાતી તાલીમો તેનું ઉદાહરણ છે. હમણાં જ ગાંધીનગરમાં એક દિવસીય ચિંતન શિબિર શિક્ષકો માટે યોજાઈ ગઈ. શિબિર કે તાલીમ પછી સાચા અભિપ્રાય ક્યારેય મેળવ્યા નથી. શિક્ષકોને શું જોઈએ છે ? તેમને શેની જરૂર છે તે જાણવાના પ્રયત્ન સિવાય જ તાલીમો કે શિબિરો ગોઠવાય છે. માટે તેને ક્યારેય સફળતા મળી નથી અને આવું ચાલશે તો ભવિષ્યમાં પણ સફળતા નહીં મળે તેની ગેરંટી. આપણું શિક્ષણ કેટલું સરકારવાદી અને અધિકારવાદી બની ગયું છે તેનું એક ઉદાહરણ એ છે કે, એકાદ વર્ષ પહેલાં એક જિલ્લામાં તાલીમ યોજવાની હતી. તે માટે ત્રણ તાલુકામાંથી શિક્ષકોના અભિપ્રાય મેળવ્યા કે, ગત તાલીમમાં તમને શું ગમ્યું કે જે હવે પછીની તાલીમમાં ચાલુ રાખીએ. શું ના ગમ્યું જેથી ભવિષ્યમાં તેનો સમાવેશ ના કરીએ. ઉપરાંત હવે પછીની તાલીમમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરવો જોઈએ. આ ત્રણ મુખ્ય પ્રશ્નોના જવાબ શિક્ષકોએ વિચારીને આપેલા. જેના તારણો કાઢયા. સરકારી અધિકારીઓને આપ્યા. પણ દુઃખની વાત એ હતી કે શિક્ષકના સૂચનોને સ્વીકાર્યા નહીં, પણ અધિકારીઓના મનમાં જે વિચારો હતા તે મુજબ જ તાલીમ યોજાઈ. અહીં તો બધા માટે એક જ દવા છે. રોગ ભલે જુદા હોય, બધાને સરખું જ પીરસવાનું અને બધા શિક્ષકોએ એ જ ખાવાનું. પછી ભલે તેને ડાયાબિટીસ કેમ ના હોય ?

સરકારી આંકડા બતાવે છે અને આપણે જાણીએ જ છીએ કે છેલ્લા કેટલાંક વર્ષોથી શાળાઓમાં પ્રવેશીકરણ વધ્યું છે, અપવ્યય અને સ્થગિતતામાં ઘટાડો થયો છે. તો શું આમ બનવા પાછળ શિક્ષકોનો ફાળો નથી ? જો સારું થાય તો પોતે જશ લે અને ખરાબ થાય ત્યાં શિક્ષકોનો દોષ. આ ક્યાંનો ન્યાય કે તારણ ? આપણે સૌ જાણીએ છીએ કે સરકાર દ્વારા શિક્ષકોને શિક્ષણ સિવાયના ઘણાં કામ સોંપવામાં આવે છે, કારણ કે સરકારને શિક્ષક પર વિશ્વાસ છે કે, તે કામ કરશે અને ખોટું નહીં જ કરે. ત્યારે પ્રશ્ન થાય કે, જો શિક્ષક શિક્ષણ સિવાયના બહારના કામ પૂરી નિષ્ઠાથી કરતો હોય તો શું તે વર્ગખંડમાં ભણાવવાનું કામ ના કરે ? શા માટે તેની પર દોષ ઢોળીએ છીએ ?

આપણા શિક્ષણની સૌથી મોટી નબળાઈ હોય તો તે એ છે કે, શિક્ષણના નિર્ણયો શિક્ષણ સાથે જેને નાહવા નિચોવવાનો કોઈ સંબંધ નથી તેઓ લે છે. મેડિકલ, કૃષિ, ઈજનેરી, મિકેનિકલ કે અન્ય કોઈ પણ ક્ષેત્ર લો. જેમાં નિર્ણયો જે તે ક્ષેત્રના નિષ્ણાત વ્યક્તિ જ લે છે. જ્યારે શિક્ષણમાં ? વિચારો કે, કોઈ બંધબેસતો હોય અને તેનો નિર્ણય એક આઈ.એ.એસ. લે તો ? દર્દીનું ઓપરેશન કેવી રીતે કરવું તેની સલાહ કોઈ આઈ.એ.એસ. આપે તો ? ખેતરમાં શું વાવવું અને ક્યારે વાવવું તેની સલાહ કોઈ આઈ.એ.એસ. આપે તો ? આ પ્રશ્નોમાં આપને કહીશું કે ના ચાલે, પણ શિક્ષણમાં તો એમ જ થાય છે અને પછી નિષ્ફળતા મળે એટલે વાંક શિક્ષકનો. વાહ,.. ભાઈ વાહ… ! હકીકતમાં શિક્ષણના કોઈ પણ નિર્ણય શિક્ષણવિદો અને શિક્ષકો દ્વારા જ લેવાવા જોઈએ. અધિકારીઓનું કામ માત્ર તે માટે સગવડતા ઊભી કરી આપવાનું અને લીધેલા નિર્ણયોનું પાલન કરાવવાનું હોવું જોઈએ. શિક્ષણના કોઈ પણ નિર્ણયમાં જ્યાં સુધી શિક્ષકને ભાગીદાર નહીં બનાવીએ ત્યાં સુધી દુઃખતી નસ નહીં પકડાય. પછી ગમે તેટલા ઈલાજ કરીશું તો નિષ્ફળતા જ મળશે અને હા… નિર્ણય લેવામાં શિક્ષકોને બોલાવવામાં આવે ત્યારે હા.. જી.. હા.. કરનારને ના બોલાવાય. જે શિક્ષકમાં ‘ના’ કહેવાની હિંમત હોય તે જ સાચો છે. તેવા શિક્ષકોને જ બોલાવાય. આપણે ત્યાં જે શાળાનું નબળું પરિણામ આવે તેના શિક્ષકને શિક્ષા કરવાનો રિવાજ પડી ગયો છે. ત્યારે ચેલેન્જ સાથે કહેવાનું મન થાય કે, શિક્ષા કરનાર વ્યક્તિને પણ જો તે શાળાનું પરિણામ સુધારવાનું કામ સોંપવામાં આવે તો તેમના ગજા બહારની વાત છે. હકીકતમાં શાળામાં પરિણામ ઓછું આવવાના કારણો જાણવા જોઈએ. તે કારણો દૂર કરવા માટે જરૂરી તમામ મદદ કરવી જોઈએ. આપણે તો એનાથી ઊંધું કરીએ છીએ. નબળી શાળાને જરૂર છે તેટલું આપતાં નથી, ઉપરથી શિક્ષા કરીએ છીએ. જ્યારે સારી શાળા કે જેને જરૂર નથી તેને ના માગે તો પણ આપે જઈએ છીએ. ભાઈ, જરૂર નબળાને હોય, સબળાને નહીં, પણ શિક્ષામાં માનનારા આપણે આપણી જાતને ખરા અર્થમાં સુધારાવાદી માની બેઠા છીએ.

ગુણોત્સવ પૂર્વે કેટલાક શિક્ષકો સાથે ચર્ચા થયેલ. જાણવા મળેલું કે કેટલાક શિક્ષકો રાત દિવસ એક કરીને પોતાના ગજવામાંથી પૈસા કાઢીને કામ કરતા હતા ! ગુણોત્સવ વાસી ઉત્તરાયણના બીજા દિવસે હતો. એ દિવસોમાં વિદ્યાર્થીઓની હાજરી ઓછી જોવા મળે તે સ્વાભાવિક છે. ત્યારે શિક્ષકોએ પોતાના પૈસે પતંગ-દોરી લાવીને વિદ્યાર્થીઓને વાસી ઉત્તરાયણ શાળામાં જ કરવી હતી. જેથી બીજા દિવસે હાજરી પૂરેપૂરી રહે ! પણ આવી અપેક્ષા બારે માસ શિક્ષકો પાસે રાખવી યોગ્ય નથી અને જો રાખવી જ હોય તો સરકાર અને સમાજે શિક્ષકોને સગવડતા અને પ્રોત્સાહન પૂરા પાડવા જોઈએ.

હા, સમાજમાં વ્યાપેલી બદીઓની અસર કેટલાક શિક્ષકોને થઈ છે, પણ એના માટે શિક્ષક આલમને દોષિત ગણવી યોગ્ય નથી. રાજકારણમાં કોઈ ભ્રષ્ટાચાર કે ગુંડાગર્દી કરે તેનો અર્થ એવો નથી કે બધા જ રાજકારણી ખરાબ છે. કોઈ ડોક્ટર દર્દીને છેતરીને પૈસા કમાય તો તેનો અર્થ એવો નથી કે બધા ડોક્ટર ખરાબ છે. પોલીસ સ્ટેશનમાં બળાત્કાર થાય તો તેનો અર્થ એવો નથી કે બધા જ પોલીસ સ્ટેશનમાં એવું થાય છે. તો શિક્ષકોમાં પણ અપવાદરૂપ ઘટનાને કારણે તમામ શિક્ષકોને દોષિત ગણીને કાર્યક્રમો કે પગલાં લેવા તે પણ યોગ્ય નથી.

શિક્ષણનું સ્તર નીચું જવા પાછળ શિક્ષકો ઉપરાંત સરકાર, સમાજ, વાલી, અધિકારીઓ, સંચાલકો કે કેળવણી મંડળો વગેરે પણ એટલા જ જવાબદાર છે. કોઈ એક પાસાંને ટાર્ગેટ કરીને શિક્ષણ સુધારણાના કાર્યક્રમો કરીશું તો તે થીગડાં માર્યા બરાબર થશે. જેમાં અંતે નિષ્ફળતા જ મળશે. સરકાર અને સમાજના સહિયારા પુરુષાર્થની જરૂર છે. જેમાં શિક્ષકોને સહભાગી બનાવી તેમના સલાહ-સૂચનો લઈને જ આગળ વધવું પડે. બાકી ઓફિસોમાં બેસીને નિર્ણયો લેવાથી સમય, સત્તા અને સંપત્તિનો બગાડ જ થશે....

Plzzz share all teachers.

Thursday, May 23, 2019

*પરસંટાઇલ એટલે શું અને એ કેમ ?*

 પરસંટાઇલ એટલે કોઈ પણ વિદ્યાર્થી કેટલા ટકા વિદ્યાર્થી કરતાં આગળ છે, તે દર્શાવતું માપ.

દા.ત.
*ઉદાહરણ - ૧)* ૧૦૦ વિદ્યાર્થી માંથી પહેલા નંબર ના વિદ્યાર્થી ના માત્ર ૭૦ % હોય છતાં પણ તે ૯૯ વિદ્યાર્થી કરતાં આગળ હોવાથી તેના પરસંટાઇલ ૯૯ થાય.

*ઉદાહરણ - ૨)* હવે ૧૦,૦૦૦ વિદ્યાર્થી માંથી પહેલો નંબર લાવનાર વિદ્યાર્થી ના માત્ર ૭૦ % હોય છતાં પણ તે ૯૯.૯૯ % વિદ્યાર્થી કરતાં આગળ હોવાથી તેના પરસંટાઇલ ૯૯.૯૯ થાય. 

*ઉદાહરણ - ૩)* એટલે કે ૨૦,૦૦૦ વિદ્યાર્થીઓ માં પહેલો અને બીજો નંબર ધરાવતા બંને વિદ્યાર્થીઓ ના પરસંટાઇલ ૯૯.૯૯ થાય.

*ઉદાહરણ - ૪)* ૩૦,૦૦૦ વિદ્યાર્થીઓ માંથી પહેલા ૩ વિદ્યાર્થીઓના પરસંટાઇલ ૯૯.૯૯ થાય.

*ઉદાહરણ - ૫)* ૨૦૧૯ માં ગુજરાત બોર્ડ માં ફૂલ ૮,૨૨,૮૨૩ વિદ્યાર્થીઓ એ પરીક્ષા આપી તો પહેલા ૮૨ વિદ્યાર્થીઓ જેમના ટકા ગમે તે હોય પણ એમના પરસંટાઇલ ૯૯.૯૯ થાય.



*પરસંટાઇલ કેવી રીતે ગણાય ?*
(તમે કેટલા વિદ્યાર્થી કરતાં આગળ છો, તે સંખ્યા) × ૧૦૦ ÷ (કુલ કેટલા વિદ્યાર્થીઓ એ પરીક્ષા આપી તે સંખ્યા) = જે તે વિદ્યાર્થી ના પરસંટાઇલ


*શું ૯૯.૯૯ પરસંટાઇલ એટલે બોર્ડ માં પહેલો નંબર થાય ?*
ના, કારણકે ઉદાહરણ - ૫ મુજબ, આ વર્ષે એટલે કે ૨૦૧૯ માં આખા ગુજરાતમાં ૮૨ વિદ્યાર્થીઓ ના ૯૯.૯૯ પરસંટાઇલ છે. *એમાં કોણ પહેલો અને કોણ બીજો એ કોઈને ખબર ન પડે.*



*તો પછી આ પરસંટાઇલ નો ઉપયોગ કેમ કરાય છે ?*

ધારોકે, ગુજરાત બોર્ડ માં પહેલા નંબર વાળા ના ૯૭% છે અને ૫૦ માં નંબર વાળા ના ધારોકે ૯૫% છે.

અને ધારોકે CBSE બોર્ડ માં પહેલા નંબર વાળા ના ધારોકે ૭૦% છે, તો શું CBSE બોર્ડ માં પહેલા નંબર નો વિદ્યાર્થી ગુજરાત બોર્ડ ના ૫૦ માં નંબરના વિદ્યાર્થી કરતાં નબળો કહેવાય ? ના ક્યારેય નહિ.

એટલે જ એડમીશન વખતે ટકા નહિ પણ પરસંટાઇલ જોવાય જેમાં ગુજરાત બોર્ડ માં ૫૦ માં નંબર ના વિદ્યાર્થી ના કદાચ ૯૮.૧૩ પરસંટાઇલ થાય જ્યારે CBSE બોર્ડ માં પહેલા નંબર ના વિદ્યાર્થી ના ૯૯.૯૯ પરસંટાઇલ થાય.